શેર અંતાક્ષરી-1

ઢમ ઢમ બાજે ઢોલ નગારા યારો રમવા આવો
શેર ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો
સુમન અજમેરી

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવનતુમ રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
સૈફ પાલનપુરી

રમું છું હું રંગીન મોસમની સાથે ક્યારેક રંગીન જોખમની સાથે
સરળતાથી ચાલુ છું મુશ્કેલ પંથે મને એવી આ જીંદગાની ગમે છે
શેખાદમ આબુવાલા

છલોછલ છલકીને અંગો અવર પે વારી દે રંગો
ઉમરનો એ તકાજો છે નિછાવર પ્યાર થઈ જશે
સુમન અજમેરી

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ
ને ઝાંઝરી ઝણકી ઉઠે તો પાયમાં ગઝલ
યોસેફ મેકવાન

લ્યો પિપળ ફરક્યા પાન હવે તો સોહમ સોહમ
છે પવન તણું ઘમસાણ હવે તો સોહમ સોહમ
ડૉ. રશીદ મીર

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નિકળીને જગ્યા પૂરાઈ ગઈ
ઓજસ પાલનપુરી

ઈશ્વરની મુઠ્ઠીમાંથી જે છટકી ગઈ
એ તો મનુષ્ય નામની મોંઘી જણસ હતી
ભગવતીકુમાર શર્મા

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
હું જ મારાથી હજુ કેટલોય દૂર છું
કિસ્મત કુરેશી

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે
સવારે ઘાસની આંખે દિશાઓ ઝુમવા લાગી
મનોહર ત્રિવેદી

ગુલે ગુલે થઈ ગઈ જવાની જંગ માગે છે
ન’તો જાણ્યો કદી એવો રવાની રંગ માગે છે
સુમન અજમેરી

છાલક છાલક રમેલા તે સમયની વાત છે
રેતના ઘરમાં વસેલા તે સમયની વાત છે
એહમદ ગુ’લ

છે તારી અંદર માણસ છે તું ઢાંક-પછેડો રહેવા દે
એ અજવાળું નહી ફાનસ છે તુ ઢાંક પછોડો રહેવા દે
ડૉ અશરફ ડબ્બાવાલા

છલકે છે એમનું જામ મુકદરની વાત છે
ખાલી છે મારું ઠામ મુકદરની વાત છે
ઝાકિર ઉપલેટવી

દફનાઈ જવાદો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં
આંસુને નિસાસાની કાંધે મહોબ્બતનો જનાજો શામાટે
મધુકર રાંદેરિયા

ટુકડો બરફનૉ જેમ હથેળી પર રહે
વાતોમાં તારી સમય ઓગળી ગયો
મનહરલાલ ચોક્સી

યા પ્યારથી એને પંપાળો યા ક્રૂર થઈને ધુત્કારો
આ લોકે રહે કે પરલોકે સાગર તો તમારો કહેવાશે
સાગર કુતિયાનવી

શ્વાસને આરામ મળે છે કબરમાં
જિંદગી બેફામ ચાલી હોય છે
આહમદ મકરાણી

છે નિપુણ આ ઓઢવામા માનવી પરછાઈને
હોઠને હૈયા વચાળે ફાસલો કૈ કૈ સદી
સુમન અજમેરી

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ
બીજે ક્યાં જાય નરક ભણી આદમી ગયા
મરીઝ

યુગયુગથી પીએ સરિતા સાગર તો યે પ્યાસો છે
નહીતર મેઘો ઉભરેના કેકારવ છલકાયો છે
દીપક બારડોલીકર

છે ભીડ અંહી એકલતાની ને શહેર છે સન્નટાનું
ને નામ વગરના સ્ટેશનનો સંભાળ લઈને દોડું છું
પ્રફ્ફુલ વોરા

છૂટી લટ ગુલાબી ચહેરો આંખમાં શરમ
પ્રિયે છબીમાંએ તું કેટલી શરમાયા કરે
નઝીર શાયર

રણમાં ફર્યા કરવાનુ પરિણામ જોઈલો
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં
ડૉ. અદમ ટંકારવી

મળે છે કોઈ એકાદ પ્રેમીને સાચી લગન દિલની
બધાય ઝેર પીનારા કંઈ શંકર નથી હોતા
અકબરઅલી જસદણવાળા

તને કોણે કીધું કે હું રંક છું નથી રંક રાયનો રાય છું
મને તોળ સત્યને ત્રાજવે કે હું સત્ય લોકનો ન્યાય છું

અમૃત ઘાયલ

છૂટી પડી ગયેલી ક્ષણોમા પડાવ રે
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં આળ રે
હેમન્ત ધોરડા

રડી લેશું પડ્યું છે આયખુ નજર સામે
વિગત ના થાય તોફાની પળો હરદમ ઝુલાવી દો
સુમન અજમેરી

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી
મને હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ સજન સુધી
ગની દહીંવાળા

ધર્મના કર્મ જાળમાં મુજને હવે ફસાવના
મુજમાં તું ઓતપ્રોત છે હું તારા શ્વાસ શ્વાસમાં
બદરી કાચવાલા

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સિધી
શેખાદમ આબુવાલા

ધુમ્મસ ઢળેલ અશ્વ સવારોના શહેરમાં
શું સૂર્યનો દમામ વિકારોના શહેરમાં
અગમ પાલનપુરી

મઘમઘું છું હેમે થઈને ઝામગું છું સૌરભ બની
તું મને સ્પર્શે જો મિતવા આવ એ રીતે સ્પર્શ
ડૉ. પુરુરાજ જોશી

શ્રધ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને
રસ્તો ભૂલી ગયો અને દિશા ફરી ગઈ
ગની દહીંવાળા

અંદર જાણે અડ્યા મુળિયાં કેમ આવશે પાન
ભીતર જ્યારે શ્વાસ સકલ છે કેમ ગવાશે ગાન
ડૉ. ચંદ્રકાંત શેઠ

ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી
પણ આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી
ગની દહીંવાળા

ધોમ ધખતા તાપમાં સાગરને ઉકળવુ રહ્યું
જલ ભર્યા ખાબોચિયે સૂરજ ફફડતો હોય પણ
આર જે નિમાવત

નવમા ધોરણની પલ્લવી પંડ્યા
ઘંટ વગ્યો ને પરી થઈ ગઈ

ડો. અદમ ટંકારવી

આકાશી વાદળને નામે વાત તમને કહી દંઉ છું
કાં વરસો કાં વિખરાઓ આમ ગરજો શામાટે

મધુકર રાંદેરિયા

વાયરા વંટોળિયા કાંઈ કેટલા લઈ જાય પણ
ડાળ પરના ફૂલની ફોરમ કદી ખૂટતી નથી
ખામોશ મૌન બલોમી

થઈ ધાડપાડુ ત્રાટકે’સારિકા’ભલે અમાસ
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે
સાહિલ

છેક પરપોટા સમી છે જીંદગી પણ
નિત ઝરણાની ગણી છલછલ છલકવુ
ગુણવંત ઉપાધ્યાય

વાત દિલમાં છે આપણી છે રસિક
મુખથી નિકળે તો એ પરાઈ છે
રસિક મેઘાણી

છે સમસ્યા ઍટલી માણસ બધા મોંઘા મળે
બાથમાં લીધા પછી શૂળ જેવું છળ છળે
અશોકપુરી ગોસ્વામી

લાખ સૃષ્ટિની સુરાહિ છલક્યા કરે
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે
શૂન્ય પાલનપુરી

છે દિશાઓ ધુંધળીને મંઝીલો નથી
શ્વાસના બળતા બપોરે ક્યાં લગી જશું
આહમદ મકરાણી

શ્રધ્ધાનો હો વિષયતો પુરાવાની શી જરૂર છે
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
જલન માતરી

થઈ ગયો એકજ ચમત્કારે તુ ઈશ્વર
ને મને માનવી થતા બહુ વાર લાગી
જિગર ટંકારવી

ગળેથી જરા નીચે ઉતરીને તોફાની થઈ ગઈ
હતી જામમા સાવ સાદી મદિરા
મરીઝ

રહેશે મને મારી મુસીબતની દશા યાદ
બીજા બધા તો ઠીક આવ્યા ન ખુદા યાદ
મરીઝ

દરિયો હતો હોડી હતી ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો
અશોકપુરી ગોસ્વામી

તું ઉખાડી ફેંકવાની જીદ ના કર
પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયુ
કૃષ્ણ દવે

યાદની દિવાલને હા તોડવી સહેલી નથિ
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે
જયન્ત પરમાર

હવે તો હું ય ખુલ્લો થઈ ગયો છું આભના જેવો
હવે તો બાથ ખુલ્લી પ્ર્થ્વીને ભરવાની ઉમર છે
જગદીશ વ્યાસ

છે સકળ એની જ હિલચાલો બધી
મન સમું છે કોણ બીજું મુત્સદી
અશોકપુરી ગોસ્વામી

દિલની વરાળ આંખથી ટપકી’તી જે રસિક
ડૂસકાં ભરી થમી ગઈ પાલવમં છેવટે
રસિક મેઘાણી

ટેવના દરિયા લીલાંછમ ભર્યા છે
તોયે કારણ ના હરણ તરસે મર્યા
શ્યામ સાધુ

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધરુ
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ
હરીન્દ્ર દવે

શી ખબર શા હાલ થાશે રાંક શ્રધ્ધાના હવે
તાગવા એને હજારો યાતનાઓ નીકળી
બેજાન બહાદર પરી

લીટી  એકાદ  સાંભળી  ઘાયલ
 હલબલી જાય  આદમી, તે ગઝલ
    અમૃત  ઘાયલ

   લાખ  રસ્તા ખૂલી  ગયા  જ્યારે
   બંધ  થઈ ગયા શ્વાસના  રસ્તા
   મનોજ  ખંડેરિયા

  તિમિરની  મહેક  લઈને  સાંજ  પણ  આવી  ઘરે  મારે
  તમારી   યાદથી   ત્યારે   વ્યથાઓ   ઝુમવા   લાગી
  મનોહર  ત્રિવેદી

   ગેરુ  છોને  ગગન પર  મન અગર  કંચન  રહે
   તો  પુણ્યના  મર્ગ પર  તું  ના કદી  નિર્ધન  રહે
   રસિક  મેઘણી

   હવે  એક  એવી  કબરમા  હું  પોઢું
   ન પૃથ્વી  બિછાવું  ન આકાશ  ઓઢું
   મકરંદ દવે

   ઢબૂક્યા  ઢોલ  ચોરે  અમે ગુલમોર  પીધો
   ખુશીથી  ખોબે  ખોબે અમે ગુલમોર પીધો
    દીપક  બારડોલીકર

   ધૂળનું ઘર, ધૂળના પથ,ધૂળ મિસૃત  ખાનપાન
   ધૂળમાં  રગદોળી  આ   શ્વાસની  સૌ  બાંધણી
   સુમન  અજમેરી

    નથી  હુ  સૂર કે  રોકી  શકો  તમે  મુજને
    હું બૂમ છું, અને કોઈ  કંઠથી પડાઈ જઈશ
    ભગવતીકુમાર  શર્મા

    શિકયત  ભૂલથી  પન  હું  નથી  કરતો  સિતમગરની
    નથી  હું  આપતો  ઉત્તર  કદી  પથ્થરનો   પથ્થરથી
    સૈયદ  રાઝ
    થઈ  જાય  પાંચેય  આંગળીઓ  તૂર્ત  કાગડો
    મૂઠી  તમે એ શહેરમાં  ખોલી  ને શું  કરો
     રમેશ  પરેખ

    રણ  તને  કેવી  મળી  છે પ્રેયસી
    ઉમ્રભરની  જે  તરસ  આપી  ગયા
    રાવજી  પટેલ

   યાદ  છે  તડાક  દઈને  તૂટવાની ક્ષણ મને
   વર્ષો થયા એ  વાત  ક્યાં  સાંધી  શક્યો  છું
    રૂક  રાણા

   છે  સલામત  સ્વપ્ન  કોનું  વિશ્વમાં
   ક્યાં  સિકંદરથી  કશી  છાયા  મળે
  ચંદુ  મહેસાનવી

    લાગણીની  કૂણી ડાળે  ફૂલ  ક્યાંથી  આવશે
    હસ્ત રેખાઓની  વચ્ચે  માત્ર  રણ  બાકી રહે
    જયન્ત  પરમાર
    હજુ  ખનખન  અવાજો  ઓરડે  પોઢ્યા નથી  ત્યાં  તો
    ફરીથી  પહેરતાં  કંકણ  ઘણી  તકલીફ  લાગે  છે
     હર્ષદ   ત્રિવેદી

Leave a Reply